મોડવદરની કંપનીમાંથી 43.95 લાખનો જ્વલનશીલ પદાર્થ કબ્જે

copy image

અંજાર અને તેના આસપાસના વિસ્તારોમાં અનેક ઔધોગિક એકમો ધમધમી રહ્યા છે, જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ થતી હોય છે, સરકારી તંત્ર આ બધું જાણતું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે પૂર્વ કચ્છ SOGની ટીમે મોડવદરની સીમમાં કોઇપણ પ્રકારના લાઇસન્સ વગર મોટી માત્રામાં રાખેલા જવલનશીલ પદાર્થ વાળી કંપની પર દરોડો પાડી રૂ. 43.95 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો.

આ અંગે પૂર્વ કચ્છ SOG દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટીમને બાતમી મળી હતી કે, અંજાર તાલુકાના મોડવદર ગામની સીમના સર્વે નં. 133/2માં આવેલી તુષાર એન્ટરપ્રાઇઝ કંપનીના માલિક બી/22, અપના નગર, ગાંધીધામમાં રહેતા વસંતભાઈ વાલજીભાઈ ભાનુશાલીએ પોતાની કંપનીમાં અલગ અલગ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી તેમજ વેપાર કરે છે અને કંપનીમાં કોઇ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરી ન હોવાથી માનવ જીંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી.

તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય અને હવા પ્રદુષણ ફેલાવી કોઇપણ પ્રકારના લાઇસન્સ કે પરવાનગી ન મેળવી પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂ. 29,42,500ના કિંમતનું 53,500 લીટર પામ એસીડ ઓઇલ તથા રૂ. 14,52,750નું 2,90,750 લીટર મિક્સ પામ એસીડ ઓઈલ (સલ્ફ) મળી આવતા જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ દરડા સમયે કંપનીનો માલિક હાજર ન મળતા કુલ રૂ. 43,95,250નું મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસને સોપવામાં આવ્યો હતો.