બાળકોમાં જોવા મળ્યો નવો રોગ ‘ટોમેટો ફ્લૂ’ 6 માસથી 10 વર્ષના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત


બાળકોમાં હાલ અજીબોગરીબ રોગ જોવા મળી રહ્યો છે જેનું નામ છે ટોમેટો ફ્લૂ. તબીબો જણાવે છે કે, આ રોગ સામાન્ય રીતે 6 માસથી 10 વર્ષ સુધીના બાળકોમાં સૌથી વધુ જોવા મળ્યું. ચેપી રોગ હોવાને કારણે તેજીથી ફેલાય છે. રાજકોટમાં બાળકોની ખાનગી હોસ્પિટલોમાં રોજના 10 થી 15 કેસ અને શહેરમાં દરરોજ 250થી વધુ કેસ ટોમેટો ફ્લૂના આવે છે.
આ નવો રોગ HFMD (હેડ-ફૂટ-માઉથ ડિસીઝ)નું નવો વેરિયન્ટ હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે. આ રોગમાં સામાન્ય રીતે બાળકોને હાથ, પગ અને મોંમાં લાલ ફોડલી થાય છે, તાવ આવે છે પરંતુ યોગ્ય સારવારથી એક સપ્તાહમાં બાળક સ્વસ્થ થઇ જાય છે. આ રોગ ચેપી હોવાથી એક બાળકથી બીજાને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધે છે.
ચેપી રોગ – ટોમેટો ફ્લૂ અંગેની એડવાઈઝ
- ચેપગ્રસ્ત બાળક સાથે અન્ય બાળકનો સંપર્ક તાત્કાલિક ટાળો.
- બાળકને કહો કે તાવ અથવા ફોલ્લીઓના લક્ષણો ધરાવતા બાળકોને આલિંગન કે સ્પર્શ ન કરે.
- બાળકોને સ્વચ્છતા જાળવણી અને અંગૂઠો અથવા આંગળી ચૂસવાની ટેવ બંધ કરાવો.
- બાળકને નાક વહેતું હોય અથવા ખાંસી આવે તો રૂમાલ વાપરવા માટે પ્રોત્સાહિત કરો.
- ફોલ્લાને ખંજવાળશો નહીં અથવા ઘસશો નહીં. જ્યારે પણ ફોલ્લાને સ્પર્શ કરો ત્યારે હાથ ધોવા.
- બાળકને પુષ્કળ પાણી, દૂધ અથવા જ્યૂસ પીવા માટે પ્રેરિત કરીને હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો.
- બાળકને ટોમેટો ફ્લૂના લક્ષણો દેખાય તો તરત જ તેને અન્ય બાળકોથી અલગ કરો જેથી અન્યને ચેપ લગતા અટકાવી શકાય.
- તમામ વાસણો, કપડાં અને અન્ય ઉપયોગી વસ્તુઓ (દા.ત. પથારી) અલગ કરો, નિયમિતપણે સેનિટાઈઝ કરવી જોઈએ.
- ત્વચાને સાફ કરવા અથવા બાળકને નહાવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરો.
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પોષણયુક્ત સંતુલિત આહાર, પૂરતો આરામ, ઊંઘ લેવી.
ટોમેટો ફ્લૂ
નિષ્ણાતોના મતે, ટોમેટો ફ્લૂ એક વાઇરલ રોગ છે જેમાં દર્દીના શરીર પર ટમેટાં આકારના ફોલ્લા દેખાય છે. આ વાઇરલ રોગના લક્ષણોમાં તાવ, થાક, સાંધામાં દુખાવો, ગળામાં દુખાવો વગેરે છે. તે હળવા તાવથી શરૂ થાય છે. તાવના બે-ત્રણ દિવસ પછી શરીર પર લાલ રંગની ફોલ્લીઓ દેખાવા લાગે છે. જે પાછળથી ફોલ્લાઓમાં ફેરવાય છે.
ટોમેટો ફ્લૂના લક્ષણો
- બાળકને હાથ, પગ, મોંમાં લાલ દાણા જેવી ફોડલી થવી.
- કેટલાક કિસ્સામાં બાળકને તાવ આવવો.
- ગળામાં ખારાશ
- નબળાઈ, ભૂખ ન લાગવી.
- આખા શરીરમાં ખંજવાળ આવે.
- પહેલા તાવ આવે પછી લાલ દાણા જેવી ફોડલી નીકળવી.
- વધુ તાવ અને નબળાઈ લાગે તો દાખલ કરવાની શક્યતા રહે છે.