પ્રેમીએ દુષ્કર્મ આચરતા યુવતી સગર્ભા બની, યુવકની ધરપકડ કરાઇ

મોરબી તાલુકાના ગામની યુવતીને પૂર્વે તેનો પ્રેમી ઉઠાવી ગયો હતો, યુવતીના પરિવારજનોએ દાખલ કરાવેલી ફરિયાદ પરથી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને યુવતીના પ્રેમી સામે દુષ્કર્મ સહિતની કલમ તળે ગુનો દાખલ કરવામાં  આવ્યો હતો, યુવતી પરિવારજનો સાથે જવાને બદલે રાજકોટના નારી સુરક્ષા ગૃહમાં રહેવા જતી રહી હતી તે યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવતી સગર્ભા હોવાનું તબીબોના નિદાનમાં સ્પષ્ટ થયું હતું.

રાજકોટના યાજ્ઞિક રોડ પરના નારી સુરક્ષા ગૃહમાં રહેતી યુવતીને રાત્રે પેટમાં દુખાવો ઉપડતાં તેને સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરાઇ હતી, તબીબોએ નિદાન કરતા યુવતીને ત્રણ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ વિશે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ રાજકોટ દોડી આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકા પંથકની આ યુવતી સગીરવયની હતી ત્યારે તેને તેનો પ્રેમી ઉઠાવી લઈ ગયો હતો, સગીરાના પિતાની ફરિયાદ પરથી સગીરાનાપ્રેમી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ગત તા.30 ઓગસ્ટના પોલીસે સગીરા કે જે હવે પુખ્તવયની થઇ ગઇ હતી તેને શોધી કાઢ્યા હતા, સગીરા સાથે તેના પ્રેમીએ અનેક વાર શરીરસંબંધ બાંધ્યા હોવાનું ખૂલતાં પ્રેમી સામે દુષ્કર્મ સહિતની કલમનો ઉમેરો કરી તેને જેલ મોકલવામાં  આવ્યો હતો, યુવતી તેના પરિવારજનો સાથે જવા ઇચ્છતી ન હોવાથી તેને રાજકોટના નારી સુરક્ષા ગૃહમાં મોકલાઈ હતી, યુવતી પ્રેમીથી સગર્ભા બની હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.