વલસાડ કૉંગ્રેસ દ્વારા અનંત પટેલ પર થયેલા હુમલાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપી  નિષ્પક્ષ તપાસની માંગણી કરાઈ

copy image

કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયથી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવીને વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કિશન પટેલની આગેવાની તળે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર કરવામાં આવેલા હુમલામાં સંકડાયેલા તમામ લોકો સામે નિષ્પક્ષ તપાસ કરવા માંગણી કરાઈ હતી. સાથે હુમલો કરનાર દોષિતોની અટકાયત કરી કડક કાર્ય કરવા માંગ કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ખેરગામ મધ્યે કરવામાં આવેલા હિંસક હુમલાને લઈને રાજ્યભરમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી આકારે પહોંચી અનંત પટેલ ઉપર હુમલો કરનાર આરોપીઓને પકડી લેવા અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ કાર્યાલય મધ્યેથી રેલી શરૂ કરતાં પોલીસ જવાનો અને કોંગ્રેસ અગ્રણીઓ સાથે તુતું મેમે અને સામાન્ય ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ અગ્રણીઓ વલસાડ જિલ્લા ઉપપ્રમુખ કિશનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.