ગંગોણની સીમમાં PGVCLના વિદ્યુત થાંભલામાંથી 35 હજારના વાયરની કરાઈ ચોરી

નખત્રાણા તાલુકાના ગંગોણ ગામની સીમમાં આવેલા પીજીવીસીએલના 11 કેવીની લાઇનના વીજ પોલ પરથી 134મીટર વાયર કિંમત રૂપિયા 34,8,42ની તસ્કરી તથા નખત્રાણાની સીમમાં વાડીમાંથી બ્લોઅર મશીનમાં લાગેલા 15 હજારની કિંમતના પીતળના 10 નંગ નોઝલની ચોરી થઈ જતાં નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.

મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામમાં રહેતા કૈલાશકુમાર મરતાજી તોમરની ફરિયાદને નજરે રાખીને પોલીસે જણાવ્યું હતું કે, ઘટના નખત્રાણા તાલુકાના ગંગોણ ગામની સીમમાં કોઇ પણ સમય દરમિયાન બની હતી. નખત્રાણા ગંગોણ ગામની સીમમાં આવેલા પીજીવીસીએલના 11 કેવી લાઇનના થાંભલા પરથી કોઇ અજાણ્યા ઇસમો રૂપિયા 34,842ની કિંમતના વાયરની તસ્કરી કરી ગયા હતા. જિલ્લામાં ચોરીના બનાવો વધ્યા છે તેની સામે ડિટેક્શનનું પ્રમાણ સાવ ઘટી જતા લોકોની ચિંતા વધી છે.

નખત્રાણા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી કોઇ અજાણ્યા ઇસમો વાડીમાં રાખેલા બ્લોઅર મશીનમાં લાગેલા પીતળના દસ નંગ નોઝલ કિંમત રૂપિયા 15 હજારની ચોરી કરી ગયા હતા. આ મામલે નખત્રાણા જુનાવાસના સરદારનગરમાં રહેતા ખેડૂત જીગ્નેશ મોહનલાલ પાંચાણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ઘટનાઓની નોંધ લઇને આગળની વધુ તપાસ હાથ ધરી છે.