પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે મુખ્ય ખેપિયાને 15 લાખ આપવામાં આવ્યા હતા

જખૌ પાસેના દરિયામાંથી પાકિસ્તાની બોટ તથા છ પાકિસ્તાની પાસેથી 350 કરોડના 50 કિલો હેરોઈન અંગે એટીએસની વિવિધ ટીમોએ પંજાબ અને ઉત્તર ભારત સુધી તપાસનો દોર શરૂ કર્યો છે. પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવી ગુજરાતના દરિયાકાંઠે લાંગરી અન્ય સ્થળોએ મોકલવાની આ ડ્રગ્સ કાર્ટેલમાં કોણ કોણ સામેલ છે, તે મામલે તપાસ ચાલી રહી છે. સૂત્રો મુજબ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવનારા મુખ્ય ખેપિયાને 15 લાખ, અન્યને 1-1 લાખ આપવામાં આવ્યા હતા.
એટીએસ ટીમે 8 ઓક્ટોબરે કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટમાં બાતમીના આધારે વોચ ગોઠવી હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો હતો. પૂછપરછમાં આ ડ્રગ્સ પાકિસ્તાનના ડ્રગ માફિયા મોહંમદ કાદરે મોકલ્યું હોવાનું આરોપીઓએ કબૂલાત કર્યું હતું. ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે ઉતારીને પંજાબ અને ઉત્તર ભારતમાં પહોંચાડવાનું હતું. આ પૂર્વે પણ એટીએસે ઝડપેલા ડ્રગ્સની ડિલિવરી પંજાબ અને ઉત્તર ભારતના શહેરોમાં આપવાની હોવાની જાણ થઈ હતી.
કરોડોના ડ્રગ્સના સપ્લાયથી માંડીને ડિલિવરી સુધીની કામગીરીમાં નાણાકીય વ્યવહાર કઈ રીતે થાય છે તેમાં એટીએસે તપાસ શરૂ કરી છે. બે દેશોમાંથી સપ્લાય થતા ડ્રગ્સના રૂપિયા હવાલા મારફતે કે અન્ય રીતે મોકલાય છે તેની એટીએસ તપાસ કરી રહ્યું છે.