ધોળકીયા સ્કુલ પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત: બાઈક ચાલક ઇજાગ્રસ્ત
આત્મારામ સર્કલ તરફથી માધાપર બાજુ જઈ રહેલા બાઈક ચાલકને ધોળકીયા સ્કુલ પાસે એક ટ્રક ચાલકે પોતાના કબજાનું ટ્રક પૂરઝડપે બેદરકારીથી ચલાવી બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.3-1-23ના સવારે નવ સાડા નવનાં અરશામાં સર્જાયો હતો. માધાપર જૂનાવાસમાં રહેતા જય હિતેશભાઈ ઠક્કર પોતાની માલિકીનું GJ-04-BG-9941 બાઈક દ્વ્રારા આત્મારામ સર્કલ તરફથી માધાપર બાજુ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધોળકીયા સ્કુલ પાસે પહોચતા RJ-07-GC-9261ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને ઠોકરે લીધો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે પ્રથમ જી.કે.જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે કે.કે. પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબે બાઈક ચાલક જય ઠક્કરને ડાબા પગમાં ફેકચર, ડાબા ગાલ ઉપર તેમજ આંખના ભાગે ટાંકા તથા માથાના ભાગે સામાન્ય ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. આ અંગે ભુજ બી-ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.