આદિપુરમાં યુવક સાથે 2,52,494ની ઓનલાઈન છેતરપિંડી કરાઈ
આદિપુરમાં યુવકને ઓનલાઈન પાર્ટટાઈમ જોબના ચક્રવ્યૂહમાં ફસાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આદિપુર પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં ત્રિલોકસિંઘ કુલદીપસિંઘ ડડીયાલે જણાવ્યુ હતું કે, તેઓ કમ્પ્યુટર સર્વિસિસ એજ્યુકેશન સેન્ટર ચલાવે છે. તા.16-11ના સવારના અગિયાર વાગ્યાના અરસામાં ફેસબુક પર ઓનલાઈન જોબ બાબતે એમેઝોન કંપનીની એડ જોઈ રહ્યા હતા. એડમાં આપેલ વોટ્સએપ નં. પર મેસેજ કરતાં સામેથી ઉત્તર આવ્યો હતો કે, અમે એમેઝોન ઈન્ડિયા એમ.એન.સી.માથી રજીસ્ટર્ડ થર્ડ પાર્ટી છીએ અને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપીએ છીએ. દરેક ટાસ્ક પર રૂપિયા ઇન્વેસ્ટ કરો અને ટાસ્ક પૂરો થતાં રકમ તથા કમિશન આપીએ છીએ. જેથી ફરિયાદીએ લિંક ઉપર તમામ માહિતી આપી દીધેલ હતી. ફરિયાદીને ટાસ્ક આપતાં તેમણે ઓનલાઈન પૈસા ભર્યા હતા જેની અવેજીમાં બે વખત કમિશન આવતાં ફરિયાદીને વિશ્વાસ બેસ્યો હતો.ત્યારબાદના ટાસ્ક પૂરો થવાનો હતો તે દરમિયાન અલગ અલગ 12 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 2,52,494 રૂપિયા અલગ અલગ અકાઉન્ટમાથી ફરિયાદીએ ઠગના ખાતામાં મોકલી આપ્યા હતા. આ શખ્સોએ આ રકમ ઉપર કમિશન જોઈતું હોય તો આવકવેરાના 20 ટકા ભરવા પડશે તો જ કમિશન મળશે તેવું જણાવ્યું હતું. ફરિયાદીની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં તેમણે ગત તા. 19/11ના ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આદિપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.