ગાંધીધામ એલ.સી.બી.એ વધુ બે દરોડામાં વિદેશી દારૂ ઝડપ્યો: 1,89,000નો મુદ્દામાલ જપ્ત

અંજાર તાલુકાનાં વરસામેડી સીમમાથી 12.60લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન આરોપી બાબુ વીશાભાઈ રબારીની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ કબૂલ્યું હતું કે, વિદેશીદારૂનો જથ્થો મંગાવ્યા બાદ તેમાથી 45 પેટી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે કટિંગ કરી વરસામેડી ગામે સરકારી આંગણવાળીના ખંડેર મકાન તેમજ તેના ઓળખીતા નયનાબેન ગજ્જરના મકાનમાં સંતાડેલ છે.  પોલીસે વરસામેડી ગામના જૂની આંગણવાળીના ખંડેર વારંડામાં તપાસ કરતાં એક રૂમમાં ભોયતળિયામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ 22 પેટીઓ મળી આવી હતી. પોલીસે 264 બોટલો કિ.રૂ.92,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ત્યારબાદ આરોપીએ કેફિયતમાં જણાવ્યા અનુસાર સાગર રેસિડેન્સી વિસ્તારના મકાન નં.65 નયનાબેનના ઘરે દરોડો પાડી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશીદારૂ ભરેલ પેટીઓ મળી આવી હતી. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 276 બોટલો કિ.રૂ.96600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ પોલીસે 2 દરોડોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 540 બોટલો કિ.રૂ.1,89,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.