દેશલપરથી ગેડી વચ્ચે હિંગળાજધાર પાસે યુવતી ટ્રેકટરની ટોલીમાથી નીચે પટકાતાં મોત નીપજયું

દેશલપરથી ગેડી જતાં માર્ગે હિંગળાજધાર પાસે ટેકટર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેકટરનું વીલ ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનામાં ટેકટરમાં પાછળ ટોલીમાં બેઠેલ યુવતી ટોલીમાથી નીચે પટકાઈ હતી, ઈજાઓના કારણે તેનું મોત નીપજયું હતું. આ અંગે યુવતીના પિતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.

આ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રાઘાભાઈ ગાંગાભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.16-2ના તેઓને જાણવા મળ્યું હતું કે, હિંગળાજધાર પાસે રોડ ઉપર ટ્રેક્ટર નો અકસ્માત થયેલ છે. જે તેમની દીકરીનું છે. જેથી ઘટના સ્થળે જઈ જોતાં ટ્રેકટર એક મોટા ખાડામાં ફસાયેલ હતું અને રોડ પર તેમની દીકરી ખીમીબેન બેભાન હાલતમાં પડ્યા હતા. ખીમીબેનને હાથના ભાગે તથા માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોચી હોવાથી લોહી નિકડી રહ્યું હતું. ફરિયાદીના જમાઈ મંગાભાઈ બાજુમાં દારૂ પીધેલ હાલતમાં ઊભા જોવા મળ્યા હતા. જેઓ નશાની હાલતમાં સરખા ઊભા પણ રહી શકતા ન હતા. ફરિયાદીએ આ ઘટના વિષે તેમના દોહિત્ર દીપકને પૂછતા તેને જણાવ્યુ હતું કે, તેઓ ત્રણેય દેશલપરથી ગેડી કામ અર્થે આવી રહ્યા હતા. આ દરમિયાન તેના પિતા મંગાભાઈ પીધેલી હાલતમાં ટ્રેકટર ચલાવી રહ્યા હતા. અને તેમની માતા પાછળ ટોલીમાં બેઠેલ હતા. ચાલક મંગાભાઈએ ટ્રેક્ટર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી સ્ટેરિંગ પરથી હાથ મૂકી દેતા ટ્રેકટર મોટા ખાડામાં જતાં ટોલીમાં બેઠેલ ખીમી બેન ફાંગોળાઈ રોડ પર પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખીમીબેનને મૃત જાહેર કર્યા હતા. રાપર પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.