ભુજના રહેણાંક મકાનમાથી ગાંજો તથા શરાબનો જથ્થો ઝડપાયો

ભુજ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભુજના રહેણાંક મકાનમાથી ગાંજાનો જથ્થો તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય શરાબની બોટલો ઝડપી પાડી હતી.

ભુજ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાલ્મીકિનગર લોટસ કોલોની પાછળ ભુજમાં રહેતો પારસ રમેશગર ગૂસાઈ પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી રહેણાંક મકાનની તાત્કાલિક તપાસ કરવામાં આવતા રસોડામાથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ બાથરૂમના એક ખુણામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની બોટલ મળી આવ્યા હતા.

પોલીસે આરોપીના ઘરેથી ગાંજાનો જથ્થો 831 ગ્રામ કી.રૂ.8310 તથા મોબાઈલ નંગ 1 કિ.રૂ.10,000 તથા 2 નંગ છરી મળી કુલ કિ.રૂ.20,310નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.