દાદી સાથે હાજીપીર પગપાળા જતાં 5 વર્ષીય બાળક ટ્રેઈલર તળે આવી જતાં મોત નીપજયું

લોરિયા પાસે દાદી સાથે  હાજીપીર પગપાળા જતાં પાંચ વર્ષીય બાળક અરમાન રફીક ભટ્ટી (ટગા, તા. રાપર)નું ટ્રેઈલર હડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના તા. 27ના સાંજે 4 વાગ્યાના અરસામાં જી.ઈ.બી. સામેના રોડ ઉપર બની હતી. હતભાગી બાળક દાદી સાથે હાજીપીર પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન ઉપરોક્ત સ્થળ પાસે પહોચતા જી.જે.-12-બી.વી.- 9534 નંબરના ટ્રેઈલરના ચાલકે બાળકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે ધારપુર-પાટણ રીફર કરાયો હતો.  પરંતુ સારવાર દરમ્યાન બાળકે દમ તોડી દીધો હતો. માધાપર પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે.