ગાંધીધામના પ્લાસ્ટિક રો મટિરિયલ્સના વેપારી સાથે હાલોલના વેપારીએ રૂ. 19.21 લાખનો વિશ્વાસઘાત કર્યો
ગાંધીધામના વેપારી પાસેથી હાલોલના વેપારીએ પ્લાસ્ટિકનું રો મટિરિયલ ખરીદી પૈસા ન ચૂકવી રૂ. 19.21 લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ગાંધીધામમાં પ્લાસ્ટિક રો મટિરિયલ્સનું વેપાર કરતાં સન્નીભાઈ નરેન્દ્ર શાહે હાલોલના મે.દિવ્યા પ્લાસ્ટિક ટ્રેડીંગ અને મેન્યુફેચરિંગ કંપનીના માલીક મોહનલાલ ભમરલાલજી શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે તેમણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 2021માં આરોપી મોહનલાલ ભમરલાલજી શાહ જોડે તેમનો સંપર્ક થયેલ હતો અને ફરિયાદી આરોપીને ધંધા માટે પ્લાસ્ટિક રો મટિરિયલ હાલોલ ખાતે મોકલાવતા જ્યારે આરોપી મોહનલાલ સમયસર પેમેન્ટ આપતા હતા. જેમાં ફરિયાદીએ 2,47,060 રૂપિયા લેવાના બાકી રહેલ હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી 6-10-21ના 25,000 કિલોનું પ્લાસ્ટિક રો મટિરિયલ કિ.રૂ.16,74,125નું ખરીધ્યું હતું. માલ પહોચી ગયા બાદ ફરિયાદીએ ઉપરોક્ત પેમેન્ટની માંગણી કરતાં આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાથી વીસેક દિવસ બાદ દિવાળી પછી આપવાની વાત કરેલ હતી. જેથી ફરિયાદીએ દિવાળી બાદ ઉપરોક્ત લેવાના નીકળતા પેમેન્ટની માંગણી કરતાં જુદા-જુદા બાના બનાવી પેમેન્ટ ચૂકવ્યું ન હતું. ત્યારબાદ ફોન કરી પેમેન્ટ બાબતે વાત કરતાં આરોપીએ ફરિયાદીને જણાવ્યુ હતું કે, તમારું પેમેન્ટ મળશે નહિ તમારાથી જે થાય એ કરી લેજો તેમજ ફરિયાદીએ રૂબરૂ મુલાકાત કરી આ અંગે વાત કરતાં આરોપીએ સંતોષકારક ઉત્તર આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ મોહનલાલ વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.