રવ ગામ પાસે ટ્રેકરની ટ્રોલીમાં બોલેરો અથડાતાં અકસ્માત સર્જાયો

રવ ગામ પાસે રોડ પર વચ્ચે પાર્ક કરવામાં આવેલ ટ્રેકરની ટ્રોલીમાં કોઈ રેડિયમ કે આડસ મુકેલ ન હોઈ જેથી બોલેરો અથડાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો ચાલક તથા તેના પરિવારને સામાન્ય તથા ગંભીર ઇજાઓ પહોચી હતી. 

આ અંગે રાપર પોલીસ મથકે દેશલપરમા રહેતા પરેશભાઈ રામજીભાઇ ગાંધીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓની પત્ની આશા પ્રેગ્નેટ હોઈ અને તેની ગોદ ભરાઈની રસમ દેશલપર મધ્યે હોવાથી રાપર આ પ્રસંગેની ખરીદી કરવા પરિવાર સાથે તેમના મિત્રની GJ-12-CP-9858 બોલેરો ગાડી દ્વારા આવેલ હતા. ખરીદી પૂર્ણ કરી સાંજના સાતેક વાગ્યાના અરસામાં રાપરથી દેશલપર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રવ ગામ તરફ આવેલ ફાર્મ પાસે પહોચતા તેમની બોલેરો ગાડી એક ટ્રેક્ટરની ટ્રૉલી સાથે ભટકાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોને ઇજાઓ પહોચી હતી. આ દરમિયાન બૂમાબૂમ તથા આસપાસના લોકો આવી જતાં દરવાજો તોડી ફરિયાદીના  મોટી મમ્મીને ગાડીમાથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં તમામને સામાન્યથી ગંભીર ઇજાઓ પહોચી હતી. આ તમામને સારવાર અર્થે શુભમ હોસ્પિટલ રાપર મધ્યે ખસેડાયા હતા. જ્યારે ફરિયાદીના મોટા મમ્મીને રાજકોટ ખસેડાયા હતા. રાપર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.