છાડવાડા સીમ વિસ્તારમાં ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસરરીતે ઓઈલની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ
આ અંગે ઇન્ડિયન ઓઈલ કોપરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર પાઈપ લાઈન ઓલ્ડ મુંદ્રા રોડ પોસ્ટ પર ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ખેંગારભાઈ મહેશ્વરીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.10-3ના તેઓ ફરજ પર હાજર હતા તે દરમિયાન સવારે દસેક વાગ્યાના અરસામાં જાણવા મળ્યું હતું કે, છાડવાડા ગામના સીમ વિસ્તારમાં ઇન્ડિયન ઓઈલ કોપરેશન લિમિટેડ મુંદ્રા પાનીપત પાઈપ લાઈનમાં ક્રૂડ ઓઈલ વહનની પાઈપ લાઈનમાં કોઈએ હોલ પાડી ઓઈલ લીકેજ કરેલ છે. જેથી ઘટના સ્થળે જઈ તપાસ કરતાં પાઈપ લાઈન પર ખાડો ખોદેલ જોવા મળ્યું હતુ અને તેમાં ક્રૂડ ઓઈલ ભરેલ હતું. આરોપીએ ગેરકાયદેસર રીતે લાઈનમાં હોલ કરી વાલ્વ લગાડી કોઇની જિંદગી જોખમાય કે આગ લાગે તેવું ગુનાહિત કાર્ય કરી ચોરી કરવાના ઇરાદે લાઈનમાં ભંગાણ પાડી સાર્વજનિક મિલકતને પણ નુકશાન પહોચાડ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.