તુણા માર્ગે છરીની અણીએ ટ્રેઈલર ચાલક પાસેથી 20 હજારની લૂંટ
ગાંધીધામના તુણા માર્ગ મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમોએ છરીની અણીએ ટ્રેઈલર ચાલક પાસેથી રોકડા રૂા. 20 હજારની લૂંટ ચલાવી પલાયન થયા હોવાની ઘટનાને લઈને પોલીસ બેડામાં દોડધામ મચી હતી. લૂંટનો આ બનાવ તુણા તરફ જતા માર્ગે આશાપુરા પાર્કિંગમાં ગત તા. 18-3ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. બી ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ બિકાનેર ટ્રાન્સપોર્ટમાં કામ કરતા અને ગુજરાતથી પંજાબના રૂટે ટ્રેઈલર મારફતે કોલસો અને માટીની હેરાફેરી કરતા ફરિયાદી મનોહરલાલ સગતારામ ઓડ તુણા કોલસો ભરવા જતા હતા. તે બનાવ સ્થળે થોભ્યા હતા. દરમ્યાન મોટરસાઈલક ઉપર આવેલા બે શખ્સએ ટ્રેઈલરનો દરવાજો ખોલાવીને ચાલક ઉપર હુમલો કર્યો હતો. સ્વબચાવમાં આ યુવાનને ઈજા પહોંચી હતી. ત્યારબાદ લૂંટારુઓએ તારા પાસે પૈસા હોય તે અમને આપી દે તેવું કહેતા ડરેલા આ ચાલકે રોકડા રૂા. 20 હજાર આપ્યા હતા. આ બનાવને અંજામ આપી આ શખ્સો નાસી ગયા હતા. લૂંટના બનાવ મામલે બી ડિવિઝન પોલીસે ગુનામાં સામેલ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વિવિધ દિશામાં તપાસ આરંભી છે.