ગાંધીધામની પેઢી સાથે 2.36 કરોડની છેતરપિંડી
ગાંધીધામ શહેરની પેઢી સાથે પરિવહનકારોએ રૂા. 2.36 કરોડની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ હિમાચલ મોકલેલ અને નામંજુર થયેલાં મીઠાનો જથ્થો પરત ન આપી ગુનાને અંજામ આપ્યો હતો. ગાંધીધામની ભાગ્યલક્ષ્મી બ્રાઈનક્રેમ. પ્રા.લિ.ના વહીવટ કરતા સૌરભ નરેશભાઈ ગર્ગએ મધ્યપ્રદેશ ઈન્દોરની યુ.પી. ગુજરાત ફ્રેઈડ કેરીયરના મુકેશભાઈ અગ્રવાલ અને રાજેશભાઈ અગ્રવાલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદીને ટાંકીને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી મીઠાનું પ્રેસેસીંગ અને સપ્લાયનુ કામ કરતી આ પેઢી વર્ષ 2016થી પ્રોકટર એન્ડ ગ્રેમ્બર કંપની(હિમાચલ)ની સાથે મીઠાના વ્યવસાય સાથે જોડાયેલી છે. ફરિયાદી પેઢી દ્વારા પોતાના રાજસ્થાનના પ્રોસેસીંગ પ્લાન્ટમાંથી હિમાચલ ખાતે યુ.પી. ગુજરાત ફ્રેઈટ કેરીયર ટ્રાન્સપોર્ટથી મીઠું મોકલવા માટે ગત તા.25-3-2016ના કરાર કર્યો હતો. જેમાં રીજેકટ થયેલા માલ પરત પહોંચાડવાની શરતો પણ સમાવેશ કરાયો હતો. તેમછતાં આરોપીઓએ કરારની તારીખથી વર્ષ 2021 સુધીના અરસામાં મીઠાની જમ્બો બેગ નંગ. 15811કિં. રૂા.83,00,775 તથા હિમાચલની કંપની દ્વારા રીજેકટ કરાયેલ 2747 મેટ્રીક ટન મીઠું કિં.રૂા. 1,22,77,942 પરત પહોંચાડયું ન હતું. તહોમતદારોએ મીઠાની મોટી થેલીઓ અને રીજેકટ થયેલા મીઠાનો જથ્થો પરત ન કરીને કુલ રૂા. 2,05,78,717નો છેતરપિંડીનો વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઈન્દોરના અશોક ગુડ્સ ટ્રાન્સપોર્ટના મુન્નાલાલ ગંગાસાગર ત્રિવેદી અને આશિષ મુન્નાલાલ ત્રિવેદી સામે ગાંધીધામની પેઢીના સંચાલકે ગુનો નોંધાવ્યો હતો. ગત તા.1-4-2021થી ગત તા.17-12-2021 સુધીના અરસામાં આ બનાવ બન્યો હતો. કરાર અનુસાર તહોમતદારોએ ટ્રાન્સપોર્ટમાં મોકેલેલી મીઠાની જમ્બો થેલી નંગ. 1523 કિં. રૂા.10,24,979 તથા હિમાચલની કંપની દ્વારા રીજેકટ થયેલ 495 મેટ્રીક ટન મીઠું કિ.રૂા.20,51,141 સાથે કુલ રૂા. 30,76,120નો માલ પરત ન આપી બારોબાર બીજે કયાંક વેચીને નાણાં લઈને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાંવર્ણવવામાં આવ્યું હતું. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ આરંભી છે.