રાપરના જાટાવાળામાં ભાઈએ ઉશ્કેરાઈ જઈ ભાઈના ઘરમાં આગ ચાંપી…

રાપર તાલુકાનાં જાટાવાળામાં ભાઈને પત્ની સાથે ઝગડો ન કરવાનું સમજાવવા જતાં ભાઈએ ઉશ્કેરાઈ જઈ મોટા ભાઈને મારમારી તેના ઘરને આગ ચાંપી દીધી હોવાની ફરિયાદ બાલાસર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે દુદાભાઈ કાયાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, આ ઘટના તા.5-4ના બની હતી. ફરિયાદી સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘરે હાજર  હતા તે દરમિયાન તેમનો નાનો ભાઈ રમેશ તેની પત્ની સાથે ઝગડો કરી રહ્યો હતો. જેથી ફરિયાદી તેના નાના ભાઈને સમજાવવા જતાં ફરિયાદીના નાના ભાઈ રમેશે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના મકાનની દીવાલ કૂદી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા રમેશે ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તે દરમિયાન ફરિયાદીના મોટા ભાઈ શંકર આવી જતાં તેમને ફરિયાદીને વધુ મારથી છોડાવ્યા હતા. તે દરમિયાન ફરિયાદીના ભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના ઘરવખરી સામાનને આગ ચાંપી દીધેલ હતી. જે ઘટનામાં ઘરમાં 25,000નું નુકશાન થયું હતું. ફરિયાદીને ઇજાઓ પહોચતા રાપર સરકારી હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીને સારવાર અર્થે ભચાઉ વેલ્ફર હોસ્પિટલ રીફર કરાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે