ગાંધીધામમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમનાર એક શખ્સ ઝડપાયો: 2,05,100નો મુદ્દામાલ જપ્ત
એ.એસ.આઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છની ટીમને બાતમી મળેલ હતી કે, મુળ આદિપુરના અને હાલે દુબઈ રહેતા નિતિન ઉર્ફે નીલી અશોક આશનાની તથા તેનો બનેવી મુકેશ મંગારામ ભંભાણીનાઓ એ સાથે મળી નિતિન ઉર્ફે નીલીના સાળા ગિરીશ વાસુદેવ ભંભાણીને મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી આપેલ છે. જેથી આરોપી ગિરીશ ગાંધીધામ મધ્યે આવેલ વોર્ડ નં.12-બીમાં પ્લોટ નં.298માં આવેલ નીલમ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.6 માં હાલમાં ચાલી રહેલ આઈ.પી.એલ ક્રિકેટ 2020 મેચો પર રૂપિયાની હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમી રમાડી રહ્યો છે.
પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ગિરીશ ઉર્ફે બંતિ વાસુદેવ ભંભાણીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન તપાસતા રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે મેચ ચાલુમાં હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ વોટ્સએપ ચેક કરતાં ક્રિકેટના સટ્ટા માટે બનાવેલ આઈ.ડી. તેમજ રૂપિયાની લેવડ-દેવડના સ્ક્રીન શોર્ટ મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીની આઈ.ડી અંગે પૂછપરચ કરતાં તેના બનેવી નિતિન ઉર્ફે નીલી અશોક આશનાની તથા મુકેશ મંગારામ ભંભાણીએ બનાવી મોકલી આપેલ હોવાનું જણાવ્યુ હતું અને પોતે હાલમાં અલગ-અલગ વ્યક્તિઓને આપીને ચાલુ મેચ પર જુગાર રમાડતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.75,100 તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ.1,10,000 તથા એક કમ્પ્યુટર કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ. 2,05,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આરોપી નિતિન ઉર્ફે નીલી અશોક આશનાની તથા મુકેશ મંગારામ ભંભાણી દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.