૪૦૦થી વધુ લોકોએ પોતાનાં ઘરે ગાય બાંધવાનો સંકલ્પ કર્યો

ભુજમાં બદ્રીકાશ્રમ ખાતે ગૌ મહિમા દર્શને મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું :

પંચદ્રવ્ય ચિકિત્સા, ગોબર ક્રાફ્ટ, ખેતીવાડી જાેઇને પણ લોકો આનંદિત : અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ પ્રદર્શન નિહાળ્યું

ભુજ :

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત બદ્રીકાશ્રમ ખાતે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી સમાપન તરફ આગળ વધી રહી છે, ત્યારે ખાસ કરીને અહીં ગૌ મહિમા દર્શન હરિભક્તો સાથે મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અત્યાર સુધીમાં ૩ લાખથી પણ વધુ દર્શનાર્થીઓ, મહાનુભાવો આ ગૌ દર્શનની મુલાકાત લઇ ચૂક્યા છે તેવુ શાસ્ત્રીસ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

વધુમાં તેમણે આ તમામ દર્શનાર્થીઓ અને મહાનુભાવોનો એક જ પ્રતિસાદ રહ્યો છેકે, જીવનમાં ઘણું બધુ જાેયું પણ આવુ પ્રદર્શન અમે ક્યારેય પણ જોયું નથી. તો કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ એટલા માટે જાેવા મળી રહ્યો છે, કારણકે, આ ગૌ મહિમા દર્શન નિહાળ્યાં બાદ અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોએ પોતાનાં ઘરે ગાય બાંધવાનો સંકલ્પ કર્યો છે. જે ગૌ મહિમા દર્શનની મોટામાં મોટી સીધ્ધી ગણી શકાય.

અહીંના કાર્યકર્તાઓની મહેનત જાેઇને સૌ કોઇ લોકો તેના માટે દાદ આપી રહ્યા છે. અહીંયા જે લોકો આવે છે, તેમને અહીનું ઠંડુ પીણુ લસ્સીની સાથે રહેલો માટીનો ગ્લાસ બહુ ગમે છે. સાથોસાથ પંચદ્રવ્ય ચિકિત્સા, ગોબર ક્રાફ્ટ, ખેતીવાડી જાેઇને પણ લોકો આનંદિત થઇ રહ્યા છે.

ખાસ કરીને નાના બાળકોથી માંડીને વડીલોને પણ દેશી ગાય અને જરસી ગાયનો સંવાદ અતિશય પ્રિય છે. હવેતો બાળકોમાં પણ જાેઇ શકાય છેકે, બધાય લોકો જરસી ગાયનો સ્ટંટ કરવા લાગ્યા છે. જે આ ગૌ મહિમા પ્રદર્શનનો બધા ઉપર પ્રભાવ દેખાઇ રહ્યો છે.  ક્યારેય ન જોયું હોય તેવું નજરાણુ આ દ્વિશતાબ્દી મહોત્સવમાં મળ્યુ છે. ત્યારે સૌકોઇએ તેને લાભ લેવો જાેઇએ.