શિપિંગ કંપનીએ કાવતરું રચી કર્મચારીના 1.25 કરોડ રૂપિયા હડપ્યા
ગાંધીધામની શિપીંગ કંપનીના શેઠ-શેઠાણીએ પોતાને ત્યાં ઉચ્ચ હોદ્દા નોકરી કરતાં કર્મચારીને પગાર વધારી દેવાની તેમજ કંપનીમાં પાર્ટનર બનાવી દેવાની લાલચ આપી ૧.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.
ગાંધીધામમાં હાલ પોતાની શિપીંગ પેઢી ખોલી બીઝનેસ કરતાં અને હાલમાં શિણાય-૪૦, આદિપુરમાં રહેતા ૩૭ વર્ષિય જૈમિન દક્ષેશ શાહએ પોલીસ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ૨૦૧૫માં તેઓ ઓપેલ એશિયા ઈન્ડિયા પ્રા. લિ. નામની શિપીંગ પેઢીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ કંપની મુંબઈ રહેતો અજીત ગોવિંદન મેનન અને તેની પત્ની અનુરાધા મેનન ચલાવતાં હતા. ૨૦૧૫માં આરોપી અજીત અને અનુરાધાએ જૈમિનને ફોન કરી કંપનીના કામ માટે ૫૦ લાખ રૂપિયાની જરૂર હોવાનું અને તે નાણાં ૬ માસમાં પરત કરી દેવાનું વાયદાઓ આપી તેમજ ફરિયાદીને પગાર વધારી આપવાની અથવા કંપનીમાં પાર્ટનર બનાવી લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ મેળવ્યો હતો.
ફરિયાદીએ આરોપી શેઠ-શેઠાણી પર ભરોષો કરીને તેમને ૨૦૧૫માં વીસ લાખ રોકડા , ઓનલાઈન પેમેન્ટથી અને માતા-પિતાના બેન્ક ખાતાંના ચેકથી ૯ દિવસમાં ૫૦ લાખ રૂપિયા આપેલાં ત્યારબાદ ૨૦૧૬માં ફરિયાદીએ ૩૭ લાખ અને ૨૦૧૭માં ૩૮ લાખ રૂપિયા આપ્યાં આરોપીને આપ્યા હતા. ફરિયાદી અવારનવાર કંપનીની મુંબઈના ચેમ્બરમાં આવેલી આફિસે જતાં-આવતા હતા. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા મોટી રકમના અનેક ચેક આપ્યા હતા. જે પૈકી ના ચેક ફરિયાદી બેન્કમાં વટાવ અર્થે લઈ જતાં આરોપી અજીત મેનને બેન્ક કર્મચારીને કહી પેમેન્ટ અટકાવી દીધેલ હતું. આરોપી ફરિયાદી અજીત જૈમિન અને તેના પિતાને મૌખિક રીતે નાણાં પરત કરી દેવાના વાયદા કરતો હતો. આ દરમિયાન ફરિયાદીના પગારની ટીડીએસની રકમ 302120, ૩ મહિનાના પગાર રકમ રૂપિયા 3 લાખ અને પ્રોવિડન્ટ ફંડના ૧ લાખ રૂપિયાની રકમ હડપી ગયેલ જે પૈકી તેણે ૭ લાખ રૂપિયા પરત આપેલ હતા પરંતુ ૧.૧૮ લાખ રૂપિયા પરત આપ્યાં નહોતાં.
ફરિયાદીએ આરોપીને અવાર-નવાર ફોન કોલ કે મેસેજ દ્વારા રકમ માંગતા આરોપીએ અલગ અલગ વાયદાઓ કરી કરમ ચૂકવી ન હતી. આરોપીએ ૧.૨૫ કરોડ રૂપિયા જેવી રકમ મેળવી લઈને કંપની બંધ કરી દીધી હતી. ફરિયાદીએ વધુમાં જણાવ્યુ હતું કે, આરોપીએ રૂપિયા પરત ન આપવા પડે તેથી કંપની બંધ કરી અલગ લગ નામે કંપનીઓ ખોલતો રહે છે પરંતુ મને આજ દિન સુધી મારાં સવા કરોડ રૂપિયા પરત કર્યા નથી. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.