પોકેટ કોપ સર્ચના આધારે ગણતરીના કલાકોમા ચોખા ચોરી પ્રકરણમાં ગોદામ સંચાલકની અટક કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ ૧૦૦ ટકા રિકવર કરતી સામખીયાળી પોલીસ.
ગાંધીધામ તાલુકાના મીઠીરોહરના ગોદામથી ચોખા ભરી મુંદરા જવાની જગ્યાએ સામખિયાળી પહોંચી ગયા હતા. પ્રકરણમાં વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માલ ખરીદનાર વેપારીને પકડી પાડયો હતો. તેની પાસેથી રૂા. 25,86,709ની 625 બોરી જપ્ત કરવામાં આવી હતી. મીઠીરોહરના ગોદામમાંથી ટ્રેઇલર નંબર જી.જે. 12 એ.ઝેડ.-3422નો ચાલક લલન રૂપન ચૌધરી 625 બોરી ચોખા ભરી મુંદરા ખાલી કરવા જવાનો હતો, પરંતુ રૂા. 25,86,709નો આ માલ સામખિયાળી નજીક અંજની રોડલાઇન્સ નજીક પેટ્રોલપમ્પ પાસે લઇ જઇ ત્યાં બારોબાર માલ વેચી નાખી પોતે નાસી છૂટયો હતો. અહીંથી બાદમાં ખાલી ટ્રેઇલર મળી આવ્યું હતું. સામખિયાળી પોલીસે આ પ્રકરણ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરાયેલો આ માલ સામખિયાળીના અંબિકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ગોદામમાં હોવાની પૂર્વ બાતમીના આધારે’ પોલીસે તાબડતોબ ત્યાં છાપો માર્યો હતો. અહીંથી ચોરાયેલા ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ગોદામના સંચાલક તથા વાજબી ભાવની દુકાન ધરાવતા મહેન્દ્ર ઇશ્વરલાલ ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ ગોદામમાંથી રૂા. 25,86,709ની 625 બોરી ચોખા હસ્તગત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે ચોખા, મોબાઈલ, ટ્રેલર અને કન્ટેનર સહિત કુલ રૂપિયા 46,06,709નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પ્રકરણમાં હજુ અન્ય નામ ખૂલવાની શક્યતા પણ’ દર્શાવાઇ હતી. પકડાયેલા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકને’ રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવા તથા હાથમાં ન આવેલા ચાલકને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબ, પો.હેડ કોન્સ. ગેલાભાઇ શુક્લા, નરેશભાઇ રાઠવા,હરીસિંહ રાઠોડ, પો.કોન્સ. મહીપાલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા તથા અરવિંદભાઇ પ્રજાપતી નાઓ દ્વારા કરવામા આવેલ છે.