*જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેટી બચાઓ બેટી પઢાઓ અને સખી વન સ્ટોપ સેન્ટર યોજનાના અમલીકરણની રિવ્યૂ બેઠક મળી

આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેટી બચાઓ બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલાઓ માટે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પવારમેન્ટ ઓફ વિમેન યોજનાની નિરીક્ષણ અને દેખરેખ કમિટીની બેઠક મળી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતિ સુલોચના પટેલે ઉપસ્થિત તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા.

શ્રી સુલોચના પટેલે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે સૌને માહિતગાર કરીને કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્ફ ફોર્સ કમિટીના સભ્યો સમક્ષ કામગીરી વિશેની વિગતો આપતા જણાવ્યું હતું કે, દીકરી વધામણા કીટ વિતરણ, બાલિકા પંચાયત ક્ષમતાવર્ધન તાલીમ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, કિશોરી કુશળ બનો-સુપોષણ અભિયાન, ગરીબ કલ્યાણ મેળાઓ, કૉફી વિથ કલેક્ટર, સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેઈન, બેટી બચાઓ બેટી પઢાઓ શપથ વગેરે પ્રકલ્પોના માધ્યમથી યોજનાનું સુચારું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. શ્રીમતિ સુલોચના પટેલે મિશન શક્તિ અન્વયે બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના વર્ષ ૨૦૨૨-૨૩ની નવી બાબતની મંજૂરી વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ નવી યોજનાનો ઉદ્દેશ્ય, વ્યૂહરચના અને રૂપરેખાની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી. મહિલાઓ સામે થતી હિંસાઓના કેસમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની ભૂમિકા વિશે સભ્યોએ મીટિંગમાં ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા પોલીસ વિભાગ અને કાઉન્સિલર્સ એકબીજાના સંકલનમાં રહીને મહિલાઓની સુરક્ષા માટે કામગીરી કરે તે બાબતે સૂચન કરવામાં આવ્યું હતું. મહિલાઓને પોતાના અધિકારો વિશે મહત્તમ જાણકારી મળે તે માટે નિષ્ણાતોની વ્યાખાન સીરીઝની શરૂઆત કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ ભલામણ કરી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પવારમેન્ટ ઓફ વિમેન યોજનાનું અમલીકરણ ઝડપથી થાય તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં કોર્પોરેટર શ્રી રસીલાબેન પંડ્યા, શ્રી ઈલાબેન મહેતા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી.રાજગોર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.કશ્યપ બૂચ, આરસીએચઓશ્રી ડૉ.જે.એ.ખત્રી, રોજગાર અધિકારીશ્રી એમ.કે.પાલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરિયા, લીડ બેંક મેનેજરશ્રી મહેશ દાસ, આઈસીડીએસ પ્રોગ્રામ અધિકારીશ્રી દશરથ પંડ્યા, ડીએસઓ શ્રી દેવાંશી ગઢવી, સુશ્રી રિંકલ ત્રિવેદી, પૂર્વી પરમાર, અર્ચનાબેન ભગોરા સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦