આદિપુરમાં ઘરમાં અચાનક આગ લાગતાં આધેડનું મોત.         

આદિપુરના 3-બી, વંદના સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગત વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં રમેશ ગોપ ચંદનાની (ઉ.વ. 55) નામના આધેડ ભડથું થતાં તેમનું મોત થયું હતું. શોર્ટસર્કિટના લીધે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આદિપુરના વોર્ડ 3-બી, વંદના સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગત વહેલી પરોઢે અચાનક આગ લાગી હતી. આ મકાનમાં રહેનાર રમેશ ચંદનાની ઉપરના માળે એકલા રહેતા હતા, જ્યારે તેમના નાનાભાઇ પોતાના પરિવાર સાથે નીચે રહે છે. અગાઉ વિદેશ કામ ધંધાર્થે ગયેલ આ આધેડ રાત્રે પોતાનાં ઘરે હતા દરમ્યાન વહેલી પરોઢે ઉપરના રૂમમાં અવાજ થતાં નીચેથી પરિવારજનો ઉપર ગયા હતા જ્યાં આગ લાગેલી જણાઇ હતી. દરમ્યાન, નગરપાલિકાના અગ્નિશમન દળને જાણ કરાતાં લાયબંબા ત્યાં દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને અંદર રહેલા રમેશભાઇને બહાર લઇ અવાયો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગના આ બનાવમાં ઘરમાં સૂતેલા આધેડ ભડથું થતાં તેમનું મોત થયું હતું. આ રૂમમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું છે તેવું પોલીસે ઉમેર્યું હતું. તેમ છતાં એફ.એસ.એલ. અને વીજતંત્રને જાણ કરાઇ છે. તેમના અભિપ્રાય બાદ સાચું કારણ બહાર આવી શકશે તેવું પોલીસે ઉમેર્યું હતું. આ આગમાં એ.સી. પણ બળીને ભડથું થઇ ગયું હતું. આથી એ.સી.ના લીધે આગ લાગ્યાનું ચર્ચાઇ રહ્યું છે.