જમીન ખાણોમાં નિયમોમાં ઉલ્લંઘન : ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી જોવા મળી નહી

જમીનની ખાણ માટે સરકાર દ્વારા જાન-માલની સલામતી માટે અનેક નિયમો ઘડવામાં આવે છે પરંતુ તેનો અમલ નીયમબદ્ધ રીતે થાય છે ક નહી તે જોવાનું મહત્વનું કાર્ય છે હાલમાં જોવા મળી રહેલા વરસાદી વાતાવરણમાં જમીન ખાણની કામગીરી મોટાભાગે બંધ રહેતી હોય છે તેમજ ખાણમાં પાણી ભરાઇ જતા હોવાથી તેની ફરતે વાડ બાંધેલી હોવી ફરજીયાત છે પરંતુ ચેકિંગના અભાવના કારણે કોઈ ખાણ માલિકો આ નીયમનું પાલન કરતાં નથી. કચ્છ જીલ્લામાં મોટેભાગે બેન્ટોનાઈટ, ચાઇનાકલે, રેતી સહિતની લિઝ મંજૂર થયેલી છે. પશ્ચિમ કચ્છમાં અંદાજીત 600 તેમજ પૂર્વ કચ્છમાં 400 મળી કચ્છ જિલ્લામાં કુલ 1000 જેટલી નાની-મોટી લિઝ મંજૂર થયેલ છે. વરસાદી વાતાવરણમાં ખાણના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે તેમજ મોટાભાગે ખાણ સુધી પહોંચવાના રસ્તાઓમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે. તેમજ જમીન બેસી જવી સહિતના કારણોસર ખનન કાર્ય મુલત્વી રાખવામાં આવતું હોય છે. નિયમ અનુસાર, લિઝની ફરતે ફેન્સીંગ ફરજિયાત પણે હોવી જ જોઈએ.

   કોઈ પશુ કે માનવી પાણીના ખાડા સમજીને ભૂલથી પડી જાય તો પોતાનોજીવ ગુમાવી બેસે છે. ભૂતકાળમાં કચ્છમાં આ રીતે ખાણમાં ભરેલા પાણીમાં ડૂબી જવાના કારણે ઘણી બધી મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ આ અંગે કોઈ ઠોસ પગલાં લેવાયા નથી આકસ્મિક ચેકિંગ કરીને દંડ કે નોટિસો આપવામાં આવી હોય તેવા કિસ્સા ખૂબ ઓછા જોવા મળેલ છે. હાલમાં જ્યારે બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે વરસાદથી મોટાભાગની લિઝમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેમજ ફરી એક વખત વરસાદી વાતાવરણ શરૂ થતાં ફરી પાણી ભરાવવાની શરૂઆત થઈ ગયેલ છે. કચ્છ જિલ્લામાં અપવાદને બાદ કરતા મોટાભાગના સ્થળોએ આ પ્રકારે બેદરકારી વર્તાઈ રહી છે આ અંગે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.