લાખાપર પાસે પલ્સર ચાલકે એક્ટીવાને અડફેટે લેતા એક્ટીવા ચાલક તેમજ પલ્સરમાં સવાર મહિલાનું મોત નિપજ્યું

અંજારના લાખાપર ગામમાં હનુમાન મંદિર આગળ આવેલા જાહેર રોડ પર એક પલ્સર ચાલકે પોતાની મોટરસાયકલ પુરઝડપે તથા ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ચલાવી એક્ટીવા સાથે અથડાવતા પોતાની પાછળ બેસેલી મહિલા તથા એક્ટીવા ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા મોત નીપજયું હતું.

અંજારમાં રહેતા ભાવેશ રામજીભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને સતાર કાસમ ખલીફા નામના વ્યક્તિએ ફોનમાં ફરિયાદીના ભાઈનું અકસ્માત થયું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ફોન કરનારને પોતાના ભાઈને અંજાર સિવિલ હોસ્પિટલ લઈ આવવા જણાવ્યું હતું.  ફરિયાદીના ઇજાગ્રસ્ત ભાઈને અંજારની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ અકસ્માતમાં પલ્સર ચાલકને પણ ઈજા પહોંચી હતી તથા પલ્સર ચાલકની પાછળ બેસેલી મહિલાને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે ફરિયાદના આધારે પલ્સર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.