જળ સમસ્યા બની મોત નું કારણ
ભુજમાં છેલ્લા 15 દિવસથી વિકરાળ બનેલી જળ સમસ્યા કેટલી ગંભીર હશે કે કોલોનીમાં માંડ મગાવેલું પાણીનું ટેન્કર મહિલા માટે મોતનું કારણ બન્યું હતું. શહેરના ન્યૂ લોટસ કોલોનીમાં લોન્ડ્રીનું કામ કરતા 50 વર્ષીય મહિલાને ટેન્કરમાંથી પડોશીઓ પેયજળ નહીં આપતાં બાદમાં મહેણાં-ટોણાં મારતાં આખરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યું હોવાથી પાણી જાણે મોતનું કારણ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની પાણી સમસ્યા હિંસક બની હોવાના બનાવ અંગે ગઈકાલે જ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પાણીની કટોકટીને લઈ ન્યૂ લોટસ કોલોનીમાં ટેન્કર મગાવાયા બાદ પડોશીઓની કથિત પજવણીને લઈને 50 વર્ષીય આધેડ મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાની ફરિયાદ મૃતકના પુત્રીએ 12 પડોશીઓ વિરુદ્ધ નામજોગ ગઈકાલે નોંધાવી છે. મૃતકે હિન્દીમાં લખેલી સ્યૂસાઈડ નોટ પણ પોલીસને મળી છે. આ બનાવ ભલે આપઘાતનો છે, પરંતુ એની પાછળના કારણમાં ભુજમાં પાણીની ગંભીર કટોકટી પરોક્ષ જવાબદાર છે. એકાદ પખવાડિયાથી પાણી માટે ભુજવાસીઓએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાણી મુદ્દે મહિલાએ આત્મહત્યા કરી હોય એવી ઘટના અભૂતપૂર્વ છે. આ બનાવ અંગે મૃતક પુત્રી એ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાનું ચૌદ વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું અને માતા જમનાબેન ભુજમાં ન્યૂ લોટસ કોલોનીમાં એકલા રહેતાં અને લોન્ડ્રીનું કામકાજ કરતા હતા. દસેક દિવસ પહેલાં ફરિયાદીને મૃતક માતાનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે શહેરમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કરથી પાણી આપે છે પરંતુ પડોશીઓ પાણી ભરી લે છે અને તેમને પાણી ભરવા દેતા નથી અને મને એકલી જોઈ ગાળો આપે છે. આથી ફરિયાદી પુત્રીએ માતાને શાંત રહેવાની સલાહ આપીને થોડા દિવસમાં આવી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. બાદમાં ફરી ફરિયાદીને માતાનો ફોન આવ્યો હતો અને પડોશીઓ ઝપ્પા-ઝપ્પી કરી બીભત્સ ગાળો આપતા હોવાનું રડતાં-રડતાં જણાવ્યું હતું આ બાદ બીજા દિવસે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની કરુણ ઘટના સામે આવી હતી. મહિલાએ હિન્દી ભાષામાં સ્યૂસાઈડ નોટ લખી હતી જેમાં આરોપીઓનાં નામ અને વિગતો લખી છેમહિલાને મરવા મજબૂર કરવા સબબ આરોપીઓ તમામ ન્યૂ લોટસ કોલોની-ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.