શહેરના બસપોર્ટ પાસે ઘાતક હથિયારો સાથે આવેલાં ટોળાંએ ગાડી પર કર્યો હુમલો
શહેરના બસપોર્ટ પાસે રાતે 10 વાગ્યા આસપાસ ઘાતક હથિયારો સાથે આવેલાં ટોળાંએ ઊભેલી ગાડી ના કાચ તોડી પાડયા હતા અને થોડીવાર બાદ ટુ વ્હીલરો લઇ અન્ય એક જૂથ પણ હથિયારો સાથે પહોચી આવ્યો હતો. બૂમા બૂમ કરતાં માહોલ દહેશતભર્યો થયો હતો. આ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આ પહેલાં ટોળું નાસી ગયુ.સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જૂની અદાવતનાં પગલે આ બનાવ બન્યો હતો. કુહાડી, ધોકા અને ધારિયાથી આવેલા પ્રથમ જૂથે ભુજ ઇંડા ભંડાર પાસે ઊભેલી કાળી ગાડીના આગળપાછળ અને બારીના કાચ તોડતાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, કારમાં કોઇ હાજર ન હોવાનું નજરે જોનારાઓએ જણાવ્યું હતું. આ દહેશતભરી ઘટના બાદ થોડી જ મિનીટોમાં અન્ય જૂથ પણ ટુ વ્હીલરો પર બે-ત્રણ સવારી સાથે ધોકા-ધારિયા લઇને આવ્યો હતો અને બૂમા બૂમ કરી દહેશતનો માહોલ સર્જ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને પત્રકારો ઘટનાસ્થળે પહોચી ગયા હતા. પોલીસે આસપાસથી વિગતો મેળવી આગળની કાયવાહી હાથ ધરી છે.