જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાપર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાપરના સ્વામીનારાયણ ગુરુકુળ કેમ્પસ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેકટરશ્રી અમિત અરોરાએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટરશ્રીએ નિહાળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાથે વિર્મશ કરીને આયોજનની વિગતો મેળવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો.
આ પ્રસંગે ડીઆરડીએના નિયામકશ્રી નિકુંજ પારેખ, પ્રાંત અધિકારીશ્રી બાલમુકુન્દ સૂર્યવંશી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ના કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, રાપર મામલતદારશ્રી એ.એમ.પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.