કચ્છના કુરનમાં BSF દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ યોજાયો

ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તરીકે ચોવીસે કલાક ખડેપગે તૈનાત રહી દેશની સુરક્ષા કરતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા સીમાની રખવાળી સાથે સરહદી વિસ્તારમાં આવતા ગામોમાં સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. બીએસએફના 74 બટાલિયન દ્વારા યોજાયેલ સિવિક એક્શન પ્રોગ્રામમાં ખાવડા વિસ્તારના ગામોમાં ગરીબ વર્ગના લોકોને જરૂરી રાશન ઉપરાંત શાળાના બાળકો માટે પણ અનેક જરૂરી શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કચ્છમાં ફરજ બજાવતી બોર્ડર સિક્યોરિટી ફોર્સની 74 બટાલિયન દ્વારા કુરન ગામ મધ્યે વાર્ષિક સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 74 બટાલિયનના કમાન્ડન્ટ સંજય અવિનાશ, સેકંડ ઈન કમાંડ મનીષ રાય અને ડેપ્યુટી કમાન્ડન્ટ બી.એસ. રાવતની હાજરીમાં પચ્છમ વિસ્તારના કુરન, ખાવડા, ધ્રોબાણા, સુમરાપોર અને દિનારા ગામના લોકોને જરૂરી સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જવાનો દ્વારા સરહદી ગામોના જરૂરતમંદ લોકોને રાશન આપવામાં આવ્યું હતું તો શાળાના બાળકોને સ્કૂલ બેગ સહિત શિક્ષણ સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું.