રાપર ખાતે આવેલ બાલાસરથી અમરાપર વચ્ચે  શિરાનીવાંઢના સીમ વિસ્તારમાં 97 હજારની પાણીચોરી થતાં ફરિયાદ

રાપર ખાતે આવેલ બાલાસરથી અમરાપર વચ્ચે શિરાનીવાંઢના સીમ વિસ્તારમાં 97 હજારની પાણીની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ બાલાસરથી અમરાપર વચ્ચે શિરાનીવાંઢના સીમ વિસ્તારમાં પાણીની લાઈનના એરવાલ્વ ખોલી તેમાંથી રૂા. 97,110નાં  પાણીની કોઈ શખ્સે ચોરી કરી હતી. નોંધાવેલ ફરિયાદ મુજબ સુવઈ ડેમ આધારીત બાલાસરથી અમરાપર સુધી જતી પાણી પુરવઠાની લાઈન મારફત જે ગ્રામ્ય વિસ્તારોને પાણી આપવામાં આવતું હતું તે પુરતા પ્રમાણમાં ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી.  આ અંગે  વારંવારની ઉઠતી ફરિયાદો ના કારણે આ બનાવના ફરિયાદી તેમની ટીમ સાથે બાલાસરથી અમરાપર તરફ જતી 250 મી.મી. વ્યાસની લાઈનની તપાસ કરવા ગયેલ હતા.  આ લાઇનની તપાસ હાથ ધરવામાં આવતા એરવાલ્વના નટ કાઢી એરવાલ્વ ખોલી ત્રીસ મીટર સુધી પાણીનો ધોરીયો બનાવી  ખેતરમાં ઉભેલ પાકને પાણી આપવા સંગ્રહ કરવા તલાવડી બનાવાઈ હોવાનું સામે આવેલ હતું. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા તા. 20/1 થી 4/2 સુધીના સમયગાળામાં  રૂા. 97,110ના પાણીની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.