લખપત ખાતે આવેલ જુમારા-વોણારવાંઢ નજીક બાઇક પરથી પડી જતાં 14 વર્ષીય સગીરાનું મોત
copy image

લખપત ખાતે આવેલ જુમારા-વોણારવાંઢ રસ્તા પર બાઇક પરથી પડી જતાં 14 વર્ષીય સગીરાનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત ખાતે આવેલ જુમારા-વોણારવાંઢ રસ્તા પર બમ્પ આવતા બાઇક પાછળ બેઠેલી 14 વર્ષીય સગીરા નીચે પટકાઈ હતી, જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવ અંગે જુમારા સોતાવાંઢમાં રહેતા શરીફ મામદ સોતા દ્વારા નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનો ભાણેજ અને તેમની 14 વર્ષીય દીકરી બાઇક પર જુણાચાય ગામે વાડીથી પરત આવી રહ્યા હતા તે સમયે વોણારવાંઢ થી જુમારા જતા રોડ પર બમ્પ આવતા બાઇક પાછળ બેઠેલ 14 વર્ષીય તેમની દીકરી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.