આમોદમાં આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની વિધિ સંપન્ન કરાઇ, આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા

આમોદના આમલી ફળીયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આમોદના વાવડી ફળીયામાં આવેલ મોટાપીરની ગાડી શરીફ ખાતેથી મોટાપીરની નિશાન સાથે નાત શરીફના પઠન સાથે સંદલ શરીફનું ઝુલુસ નીકળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના ઝુલુસમાં સામેલ થયા હતા. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. દર વર્ષે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્ષમાં સામેલ થાય છે. અકીદતમંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નીયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સંદલ શરીફ બાદ દરગાહના ઉર્ષની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને નવ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.