કચ્છ જીલ્લા ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત માર્ગદર્શી બેઠક યોજાઈ

 કેન્દ્ર અને રાજ્ય સરકારની અઢળક લોકાભિમુખ યોજનાઓના ફળ ગામડે ગામડે ગલી મહોલ્લા સુધી પહોંચ્યા છે ત્યારે આવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા ખુબ વિપુલ માત્રામાં છે. આગામી દિવસોમાં કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ આવા પ્રત્યેક લાભાર્થીના વ્યક્તિગત અને સામૂહિક સંપર્ક માટેનું ખાસ અભિયાન ચલાવવામાં આવશે. આજ રોજ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાનના આયોજન અને તેની પૂર્ણ સફળતા માટેની એક અગત્યની મનોમંથન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધન કરતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સક્ષમ, સુદ્રઢ શાસન ઉપરાંત જમીની વાસ્તવિકતા અને પાયાની જરૂરિયાતોનો ખુબ નજીકથી અનુભવ અને અવલોકન કરીને તેમના નિરાકરણ માટે ખુબ સુચારુ અને સંવેદનશીલ કહી શકાય એવા ઉપાયો પણ વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજમાં વહેતા કર્યા છે. ઉજ્જવલ્લા ગેસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી વિવિધ યોજનાઓ તેનું આદર્શ ઉદાહરણ ગણી શકાય. આવી તમામ જનલક્ષી યોજનાઓએ ગ્રામીણ અને જરૂરિયાતમંદ નાગરિકોની જીવનશૈલીમાં આમુલ અને અકલ્પનીય પરિવર્તનો આણ્યા છે જે એક શાશન માટે અત્યંત ગૌરવશાળી બાબત કહી શકાય. આગામી દિવસોમાં કચ્છ ભાજપના સેંકડો કાર્યકરો જિલ્લાભરમાં સરકારની યોજનાઓના લાભાર્થીનો સંપર્ક કરીને તેમના આશીર્વાદ મેળવશે. અંતમાં શ્રી વરચંદે ઉપસ્થિત સર્વે કાર્યકરોને સરલ એપ, નમો એપનો વ્યાપ અવિરતપણે વધારવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કચ્છ લોકસભા બેઠક પ્રભારી કમલેશભાઈ મીરાણીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે લાભાર્થી સંપર્ક અભિયાનના માધ્યમથી કચ્છ જીલ્લામાં પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આવનારા નજીકના ભવિષ્યમાં જીલ્લાના લાભાર્થીઓની મુલાકાત કરીને વિભિન્ન યોજનાઓ દ્વારા તેમના જીવનમાં કેવો સુખદ બદલાવ આવ્યો તેનો જાત અનુભવ કરશે અને સાથોસાથ સરકારની સિદ્ધિઓનો યોગ્ય પ્રચાર પ્રસાર પણ કરશે. લાભાર્થીઓ પાસેથી હજુ પણ તેમની શેષ જરૂરિયાતો વિશે જાણી અને સમજીને તેઓની ખુટતી કડીઓમાં ઈ રીતે પૂરક ભૂમિકા ભજવી શકાય એ દિશામાં પણ ભાજપના કાર્યકરો સતત પ્રયત્નશીલ રહેશે. આ બેઠકમાં લોકસભા ચુંટણી સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, લોકસભા વિસ્તારક વૈભવભાઈ બોરીચા સહિત વિવિધ મંડલના પ્રમુખો તેમજ જીલ્લા અને મંડલના લાભાર્થી સંપર્ક અભિયાન અને સરલ એપના ઈન્ચાર્જો સહિત વિવિધ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.