અંકલેશ્વરના સારંગપુર ગામમાં આત્મીય રેસિડન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ : સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી થયા ફરાર

અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડન્સીના એક મકાન માલિક પોતાના વતનમાં ગયા હોવાથી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ટેબલના ડ્રોવરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.આ અંગે મકાન માલિકે GIDC પોલીસ મથકમાં કુલ રૂ. ૨.૫૦ લાખની મત્તાની ચોરીની ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં ચોરીનો સિલ-સિલો યથાવત રહેતા તસ્કરો રોજ-બરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો થતા સારંગપુર ગામના વિસ્તારમાં આવેલી આત્મીય રેસીડન્સી ખાતે રહેતા વિનોદ પાઠકના પરીવારના સભ્યો વતનમાં ગામડે ગયા હતા. જેથી તેઓ ગત રોજ રાત્રીના મકાનને લોક કરીને નોકરી પણ ગયા હતાં.આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલા કબાટ તેમજ ડ્રોવરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ.૧૦ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા,જ્યારે નોકરી પરથી વિનોદભાઈ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોતાં જ ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે તેમણે GIDC પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.આ ચોરીની ઘટનામાં વિનોદભાઈ પાઠકે રૂ. ૨.૫૦ લાખની મત્તાની ચોરી થઇ હોવાની GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ.