અંજારમાં બંધ મકાનના તાળાં તોડી 33 હજારની મત્તા પર હાથ સાફ કરી તસ્કરો થયા ફરાર

 અંજારમાં બંધ મકાનના તાળાં તોડી 33 હજારની મત્તાની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  અંજાર શહેરના સીતારામ પરિવાર વિસ્તારમાં આવેલ બંધ મકાનના તાળાં તોડી તેમાથી રોકડ, દાગીના અને બાઇક સહિત કુલ 33000 હજારની તસ્કરી કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે મજૂરી કામ કરનાર અજય દિનેશ સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 18/2ના પોતાના પરિવાર સાથે રાધનપુર ખાતે  મામાના ઘરે  લગ્નપ્રસંગે ગયેલ હતા. તે દરમ્યાન તા. 19/2ના ફરિયાદીના  પિતાએ  ફોન કરી  આંગણામાંથી બાઇકની ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. ચોરીના બનાવ અંગે જાણ થતાં ફરિયાદીએ પરત આવી તપાસ કરતાં ચોર ઈશમો મકાનના તાળાં તોડી રોકડ રૂા. 4000 અને સોના ચાંદીના દાગીના તેમજ બાઇક સહિત કુલ 33,000ની મતા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.