ભુજોડી ગામના વંદે માતરમ્ મેમોરિયલમાં 1.25લાખની ચોરી

copy image

copy image

ભુજોડી ગામમાં આવેલા આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત વંદે માતરમ્ મેમોરિયલના સંકુલમાંથી કોઈ ચોર ટોળકીએ ગેરકાયદેસર પ્રવેશ કરી એકાઉન્ટ વિભાગમાંથી રોકડા રૂા. 1,24,971ની ચોરી કરી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકમાં નોંધાઈ હતી. મેમોરિયલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સ ને સુરક્ષાકર્મીએ ફોન કરી સંકુલના તાળાં તૂટયા હોવાની જાણ કરતાં તે તથા અન્ય કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સામાન તથા જરૂરી દસ્તાવેજો વેરવિખેર જણાયા હતા અને ચોરીનો મામલો સામે આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એકાઉન્ટ ઓફિસમાં રખાયેલી તિજોરી તોડી કોઈ ચોર ટોળકી તેમાં રખાયેલી રૂા. 1,24,971ની રકમ ચોરી કરી નાસી ગઈ હતી. આ મામલે સંસ્થાના કર્મચારીઓએ સીસીટીવી ચકાસતાં ત્રણ શખ્સ નજરે પડયા હતા, જેમાંથી એકના હાથમાં લોખંડનો સળિયો હતો, જેનાથી ઓફિસનું તાળું તોડયું હતું અને ચોરીનું આ કૃત્ય આચર્યું હતું. આ બાબતે પોલીસે ઘટના સ્થળે જઈને જરૂરી કાર્યવાહી કર્યા બાદ ફરિયાદ નોંધી સક્રિય થયેલી આ ચોર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.