ભચાઉમાં શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળતાં અરેરાટી
ભચાઉમાં જગુ બીજલ કોળી નામના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસબેડામાં દોડધામ મચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના જૂનાવાળા વિસ્તારમાં પુલિયા નીચે ગટરમાંથી જગુભાઈ નામના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ રાત્રે આઠ વાગ્યા પહેલાં કોઈ સમયે બન્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જૂનાવાળા વિસ્તારમાં રહેતો યુવાન દારૂ પીવાની ટેવવાળો હોવાનું અને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાના પ્રાથમિક તારણે ભચાઉ સરકારી હોસ્પિટલના ડો. કે. કુમારે પોલીસ ચોપડે નોંધાવ્યુ હતું. આ અંગે ભચાઉ પી.આઈ. શ્રી ઝાલાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રાથિમક તપાસમાં આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું લાગી રહ્યું છે . પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. આ અંગે તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.