મુંદરા પોર્ટ પર 2.25 કરોડની સોપારી

copy image

copy image

મુંદરા પોર્ટ પર ફરી ઝાડુના કન્ટેનરની આડમાં 2.25 કરોડની સોપારી ઝડપાઈ હતી . હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , ઇન્ડોનેશિયાથી આવેલું 20 ફૂટનું કન્ટેનર મુંદરા પોર્ટ પર લગભગ એકાદ અઠવાડિયાં પહેલાં ઉતર્યું હતું. જેમાં બિલ ઓફ લેન્ડિંગમાં કાર્ગો તરીકે ઝાડુ દર્શાવેલું હતું. જે કન્ટેનરની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક કસ્ટમની એસઆઈઆઈબી શાખાએ તેના પર નજર રાખી. આ કન્ટેનરની બિલ ઓફ એન્ટ્રી કોણ ફાઈલ કરે છે તેની રાહ જોઈ હતી, પણ કોઈ આયાતકારે કન્ટેનરનું બિલ ફાઈલ ન કરતાં એસઆઇઆઈબીએ તે કન્ટેનરને ઓલકાર્ગો સીએફએસમાં લઈ ચકાસણી કરતાં આગળના ભાગે લગભગ દોઢ ટન જેટલા ઝાડુ પછી લગભગ અંદાજિત 25 મેટ્રિક ટન જેટલો સોપારીનો જથ્થો નીકળ્યો હતો, જેની ડયુટી સહિત અંદાજિત કિંમત 2.25 કરોડ જેવી થાય છે. આ વખતે આ નવી મોડસ ઓપરેનડી ઝડપાઈ હતી. દર વખતે બેઝ ઓઇલ, એમએચઓ ઓઇલ, પ્લાસ્ટિક દાણા, ગારમેન્ટ વગેરેની આડમાં સોપારી ઝડપાઈ ચૂકી છે, પણ આ વખતે ઝાડુ ડિક્લેર કરાયા હતા. હવે સ્થાનિક કસ્ટમે પંચનામું કરી કાર્ગો સીઝ કર્યો છે તથા આ જથ્થો કયા આયાતકારે મગાવ્યો હતો તેની તપાસની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તપાસ ચાલુ હતી. આયાતકારનું નામ મળી શકયું નથી, જેથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મુંદરા પોર્ટ પર અદ્યતન કન્ટેનર સ્કેનર જરૂરી છે અને વધુ પડતા કામના ભારણની આડમાં આવી દાણચોરીનો જથ્થો સહેલાઈથી નીકળી જાય છે.