માધાપરની યુવતીને કેસબેકની લાલચ આપી 1.16 લાખની છેતરપિંડી
copy image

માધાપરની યુવતીને ડિજિટલ ગઠિયા એ ટેક્સ મેસેજ મોકલી કેસબેકની લાલચમાં સપડાવી ઓનલાઇન રૂા. 1,15,825 સેરવી લેતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી . માધાપર પોલીસ મથકે જાહનવી મહેશભાઇ ચૌહાણ નામની ખાનગી નોકરી કરતી યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 7-4ના તેમને મોબાઇલ ઉપર કેસબેક પોઇન્ટ મેળવવા એક ટેક્સ મેસેજ આવ્યો હતો અને તેની સાથે લિંક મોકલાવી હતી, જેમાં યુઝર આઇડી અને પાસવર્ડ નાખ્યા બાદ ઓટીપી પૂછયો હતો, પરંતુ ફરિયાદીને શંકા જતાં આવેલા ઓટીપી નાખ્યા નહીં અને કોઇને જણાવ્યા નહીં. આ બાદ ફરિયાદીએ બેન્કના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી ટ્રાન્જેકશન બ્લોક અને એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યો હતો. બીજા દિવસે તપાસ કરતાં ફરિયાદીનાં ખાતામાંથી રૂા. 1,15,825 ઊપડી ગયા હતા. આ ઉપાડ બાબતેનો બેન્કમાંથી કોઇ મેસેજ આવ્યો ન હતો. ફરિયાદીએ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી અને આ બાબતે માધાપર પોલીસને અરજી આપી હતી. આ અરજીના આધારે માધાપર પોલીસે મો.નં. 83319 86928વાળાનો ઉપયોગ કરનાર શખ્સ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.