ગાંધીધામમાં દુકાનમાં આગ લાગતા લાખોની નુકસાનીનો અંદાજ
copy image

ગાંધીધામમાં આવેલી મોબાઇલની એક દુકાનમાં આગ લાગતા રૂા. 70 લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો તેમજ શોર્ટ સર્કિટના કારણે અન્ય દુકાનો, હોસ્પિટલ, હોટેલમાં રહેલા વિજાણું યંત્રોમાં ખોટીપો સર્જાયો હતો. ગાંધીધામના ચાવલા ચોક પાસે આવેલી એકતા મોબાઇલ નામની દુકાનમાં આગનો આ બનાવ બન્યો હતો. દુકાન નંબર ડી-5, ડી-6માં આવેલ એકતા મોબાઇલમાં કોઇ કારણોસર આગ લાગતા મોબાઇલની એસેસરીઝ, જુદી-જુદી કંપનીઓના નવા-જુના મોબાઇલ તેમજ ફર્નિચર વગેરે સળગી ગયું હતું. આગના આ બનાવમાં દુકાનમાં સામાન સળગી જતાં રૂા. 70 લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. બીજી બાજુ ડી-બેમાં આવેલ ઓમ મોબાઇલ નામની દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં રૂા. 70,000નું નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટના કારણે ડી-7માં આવેલ નિવા હોસ્પિટલમાં રૂા. 24,000ના વિજાણું યંત્રોમાં ખોટીપો સર્જાયો હતો. ડી-9માં ઓનલાઇન મોબાઇલ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે રૂા. 30,000ના ઉપકરણોમાં નુકસાન થયું હતું. દુકાન નંબર ડી-10માં આરતી હોટલમાં શોર્ટ સર્કિટના કારણે રૂા. 1,51,000નું નુકસાન થયું હતું તેમજ દુકાન નંબર ડી-11માં અનમોલ મોબાઇલ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે રૂા. 20,000નું નુકસાન થયું હતું. એકતા મોબાઇલમાં આગ તથા અન્ય પાંચ દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે કુલ્લ રૂા. 72,95,000નું નુકસાન થયું હોવાનું પોલીસ મથકે ઇશા ગણેશ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું.