અંજારમાં બાળકી સાથે દુરાચાર કરનારાને દશ વર્ષની કેદની સજા

copy image

copy image

અંજારમાં પોણા પાંચેક વર્ષ પહેલા નવ વર્ષીય માસુમ બાળકીનું અપહરણ કરી તેને બાવળની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુરાચાર કરનાર ઈસમને અંજારની કોર્ટે 10 વર્ષની સાદી કેદ તથા દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. અંજારના રેલવે ફાટક નજીક રહેનાર એક શ્રમિકની પુત્રવધૂ પરિવારને મૂકીને ચાલી ગયા બાદ તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારે વૃદ્ધની ત્રણ પૌત્રી તેમની પાસે હતી. તા. 29/9/2019ના શ્રમિક ફરિયાદી ઘરે હાજર હતા, ત્યારે પોતાની નવ વર્ષીય પૌત્રીને દૂધની થેલી લઈ આવવા જણાવ્યું હતું, જેથી આ બાળકી દુકાને દૂધ લેવા ગયા બાદ પરત ન આવતાં દાદાએ તેની શોધખોળ કરી  હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન આ બાળકી ફાટક નજીકથી ચાલી આવતી નજરે પડી હતી. ધ્રૂજતી અને હેબતાઈ ગયેલી આ બાળકીએ રડતાં રડતાં દાદાને આપવીતી વર્ણવી હતી. તે દૂધ લઈને પરત આવી રહી હતી ત્યારે મૂળ વાંકાનેર- મોરબીનો મહંમદ ઉર્ફે ફકીરમામદ હુસેનશા શેખ નામનો શખ્સ બાઈક લઈને આવ્યો હતો અને તારા પિતાની તબિયત ઠીક નથી તેવું કહી પોતાની બાઈક ઉપર બેસાડી બાવળની ઝાડીમાં જંગલ જેવા વિસતારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકીને માર મારી, ગળુ પકડી દુરાચાર આચર્યો હતો અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ શખ્સની ધરપકડ કરી પૂરતા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 12 જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા હતા તેમજ 12 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે. શુક્લએ બંને પક્ષની દલીલો સાંભળી પુરાવા ચકાસી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. તેને જુદી-જુદી કલમો હેઠળ  કુલ 10 વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂા. 6000નો દંડ ફટકાર્યો હતો તેમજ  દંડની રકમ ન ભરે તો વધુ કેદનો હુકમ આપ્યો હતો તેમજ ભોગ બનનારને રૂા. બે લાખનું વળતબર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડયાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.