ગાંધીધામમાં ઘરનાં તાળાં તોડી 2.67 લાખની ચોરી

copy image

copy image

ગાંધીધામના સપનાનગરમાં આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાને લઈ તેનાં તાળાં તોડી તેમાંથી દુબઈની કરન્સી, દાગીના સહિત રૂા. 2,67,000ની મનાતી ચોરી કરી નાસી ગયા હતા. ગાંધીધામના સપનાનગર પ્લોટ નંબર ઈ-214, એન .યુ.-4માં રહેનાર ફરિયાદી લીનાબેન સુરેશ બાબુ કેથોલિક ગાંધીધામ રેલ્વે મથકે મિકેનિક વિભાગમાં ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. તેમની દિકરી અંજીલ્લાને તબીબી પરીક્ષણ કરાવવાનું હોવાથી આ માતા-દીકરી તા. 5/7નાં રાત્રે ઘરેથી નિકળી અમદાવાદ ગયા હતા. ત્યાં બે દિવસ રોકાયા બાદ પોતાની બહેનને ત્યાં માઉન્ટ આબુ ગયા હતા. ત્યાંથી અમદાવાદ પરત આવી તા. 9/7નાં રાત્રિનાં 11 વાગ્યાના આસપાસ ગાંધીધામ પહોંચ્યા હતા. ગેટનું તાળું ખોલીને અંદર જતાં તેમના મુખ્ય દરવાજાનો નકુચો તથા સેન્ટ્રલ લોક તુટેલી હાલતમાં જણાયું હતું જેથી તેમણે મકાન માલિકને બનાવની જાણ કરી હતી. આ બંધ ઘરના મંદિરવાળા રૂમમાં તમામ સરસામાન વેર વિખેર કરી તસ્કરોએ લોખંડના કબાટમાંથી દુબઈની કરન્સી 1700 દિરહામ તથા ભારતીય ચલણ રોકડ રૂા. 15,000, બાળકોએ બચત કરેલ પતરાના ગલ્લામાંથી રોકડ રૂા. 30,000 તથા 10 ગ્રામ સોનાનું બિસ્કીટ, 10.110 ગ્રામની બે કપલરિંગ, 05 ગ્રામની બે જૂની વીંટી, એમ કુલ રૂા. 2,67,000ની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે રાતના અરસામાં  પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.