નાની રવ ગામે ઘરનાં આંગણામાંથી પિસ્તોલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી

 રાપર તાલુકાના નાની રવ ગામે બાલાસર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતા-ફરતા આરોપીને પકડવા જતાં પોલીસને ઘરમાંથી દેશી હાથ બનાવટની રૂા. 20,000ની પિસ્તોલ મળી આવી હતી. નાની રવ ગામમાં રહેનાર વિરૂભા રાજાજા ગઢવી વિરુદ્ધ દારૂ સંબંધી ગુનો નોંધાયો હતો જે કેસમાં તે બાલાસર પોલીસના હાથમાં આવ્યો ન હતો. રાપર પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન આ શખ્સ ઘરે આવવાનો હોવાની પૂર્વ બાતમી મળી હતી જેથી રાપર પોલીસ તેના ઘરે ગઇ હતી જ્યાં ઘરની તપાસ કરાતાં ઘરના આંગણામાંથી દેશી હાથ બનાવટની સિલ્વર રંગની મેગેઝિનવાળી બંદૂક મળી આવી હતી. પોલીસે રૂા. 20,000ની આ બંદૂક જપ્ત કરી આરોપી વિરૂભા વિરુદ્ધ તે અંગે ગુનો નોંધી તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.