ગઢશીશામાં યુવાનના ઘરેથી એક દિનની દુલ્હન સોનાના દાગીના લઈને પલાયન

copy image

copy image

માંડવી તાલુકાના શખ્સે લગ્ન કર્યાંના એક દિવસ બાદ જ મહારાષ્ટ્રની દુલ્હન રોકડ, દાગીના લઇ પલાયન થઇ જતાં દુલ્હન સહિત ચાર વિરુદ્ધ 2.25 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી  આ `એક દિન કી દુલ્હન’ના કિસ્સાને લઇ ગઢશીશા પોલીસ મથકે મૂળ દયાપરના હાલે ગઢશીશાના ધવલ નલીનભાઇ જણસારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ પાંચેક માસ અગાઉ ફરિયાદીનાં લગ્ન બાબતે તેના પિતાએ કૌટુંબિક ભાઇ પુનિત પ્રફુલ્લભાઇ જણસારી (રહે. માધાપર) સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના મિત્રો વિશાલભાઇ થારૂ તથા પ્રકાશભાઇ મહેશ્વરી (રહે. બંને માધાપર) અને હેમંતભાઇ (જામનગર) પૈસાથી લગ્ન કરાવી આપવાનું કામ કરે છે. આથી વાતચીતના આધારે ઉપરોક્ત ત્રણ શખ્સો ગઢશીશા મધ્યે મનીષા ગજાનંદ માનવતે (રહે. ખામગાવ, જિલ્લો બુલઢાણા-મહારાષ્ટ્ર) નામની યુવતી  સાથે તેના બેન-બનેવી (જેના નામ ફરિયાદી જાણતા નથી) આવ્યા હતા અને લગ્ન માટે મનીષા પસંદ પડતાં પુનિત સાથે પૈસાની વાતચીત કરતાં રૂા. બે લાખ આપવાનું નક્કી થયું હતું. આથી ત્યારે વિશાલને રૂા. 50 હજાર અપાયા હતા અને પંદર દિવસ બાદ લગ્નનું નક્કી થયું હતું. તા. 28/3/24ના ફરિયાદીનાં લગ્ન ભુજના દંતેશ્વર મહાદેવ મંદિર ખાતે ફૂલહાર પહેરાવી પરિજનોની હાજરીમાં થયાં હતાં અને બાકીના પૈસા પણ આપ્યા હતા. તા. 30/3ના સવારે મનીષા કોઇને કંઇ કહ્યા વિના સોનાના બુટિયા, નાકની સળી અને સાંકળા પહેરી પલાયન થઇ ગઇ હતી. આ બાદ પુનિત તથા મનીષાના બનેવીને ફોનથી જાણ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બાદ મનીષાના બનેવીએ ફોન પર કહ્યું કે, મનીષા મહારાષ્ટ્ર આવી ગઇ છે, તેટલું કહી ફોન કાપી નાખ્યો હતો. આ બાદ ઘણીવાર વારંવાર ફોન કરવા છતાં ઉપાડયો નહીં. આથી વિશાલ, પ્રકાશ, હેમંત અને પુનિતભાઇને ફોન કરતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ બાદ સગા-સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે, આ લોકોએ અગાઉથી જ આ રીતનું કાવતરું રચ્યું હતું. આ ચારેય આરોપી રૂા. 2,25,000 લઇ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.