ગાંધીધામના વેપારીએ  પઠાણી ઊઘરાણીથી કંટાળી નવ વ્યાજખોરો સામે કરી ફરિયાદ

copy image

copy image

ગાંધીધામમાં દૂધના વેપાર સાથે સંકળાયેલા યુવાનને વ્યાજના  વિષચક્રમાં ફસાવનાર નવ શખ્સ સામે વિધિવત રીતે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદી દિનમોહમદ હાસમ રાયમા કોરોનાના કારણે વેપારને અસર પડતા અને ઘરમાં બિમારીના કારણે આર્થિક સંકટમાં મુકાયા હતા. તેમણે ગત તા.1/5/2019થી તા.30/ 6/2024 સુધીના  અરસામાં  આરોપી  ચેતનભાઈ ગઢવી પાસેથી પાંચ ટકા વ્યાજે રૂા.1 લાખ, આરોપી હાર્દિકભાઈ ગઢવી પાસેથી રૂા.1 લાખ રોજના રૂા.1 હજાર વ્યાજ સાથે  100 દિવસમાં પરત આપવાની શરતે, આરોપી હરીભા ગઢવી પાસેથી પાંચ ટકા લેખે રૂા.50 હજાર, આરોપી જગદીશ ગઢવી પાસેથી રૂા. નવ લાખ, આરોપી મનીષભાઈ રામચંદાણી પાસેથી રૂા. 2.50 લાખ સામે રોજના  રૂા. 2500 ચુકવવાની શરતે, આરોપી રાજુભાઈ પાસેથી  રૂા. 3.50 લાખ રોજના રૂા.3500 ચુકવવા ની શરતે, આરોપી યોગરાજસિંહ વાઘેલા પાસેથી પાંચ ટકા લેખ રૂા.2 લાખ, આરોપી ભુરા ભરવાડ પાસેથી  દસ ટકા વ્યાજ લેખ રૂા.1 લાખ, આરોપી મનુભાઈ વજાભાઈ ભરવાડ પાસેથી  રૂા. બે લાખની સામે મહિને રૂા.7 હજાર વ્યાજે અને રૂા.20 હજાર મુડી પેટે ચુકવવાની શરતે નાણા લીધા હતાં આરોપીઓને ફરીયાદીએ વ્યાજ ચુકવી દીધું હોવા છતાં વ્યાજનું વ્યાજ ચડાવી પઠાણી ઉઘરાણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લીધેલી  રકમનું વ્યાજ અને મૂડી ચુકવવા માટે ફરિયાદી અસમર્થ બનતા આરોપીઓ  અવારનવાર દુકાને આવી  પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.