સામખિયાળીમાં એક જ દિવસમાં બે ભાઈનાં હાર્ટ એટેકથી મોત નીપજ્યાં

copy image

copy image

સામખિયાળીમાં એક જ દિવસમાં બે સગાભાઈનાં હાર્ટ એટેકથી મોત નીપજ્યા હતા. જેના કારણે પરિવારજનો તો શોકમગ્ન બન્યા જ હતા, પરંતુ સાથે ગામજનોમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ સામખિયાળીના અગણી વેપારી ૪૯ વર્ષીય પ્રકાશભાઈ નાનાલાલ શેઠને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેથી તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા તેમને પ્રથમ ખાનગી અને ત્યારબાદ ભચાઉની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેમને સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સ્મશાન યાત્રા તેમના સામખિ યાળી ખાતેના નિવાસસ્થાનેથી નીકળવાની હતી જેમાં પ્રકાશના મોટા ભાઈ ૬૦ વર્ષીય વસંતભાઇ કાંધ આપીને પ્રકાશ ભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમ્યાન કાંધ આપતી વેળાએ વસંતભાઈ અચાનક ઢળી પડયા હતા. તેથી તેમને પણ સારવાર મળે તે પહેલાં જ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. આમ એક જ દિવસમાં બે ભાઈનાં મોત નીપજયા હતા. પ્રકાશભાઈ તથા વસંતભાઈના પિતા સ્થાનિકે નગરશેઠ તરીકે ઓળખાતા હતા , તેઓ વાગડ પંથકની સાત ચોવીસીમાં વર્ષો સુધી નગરશેઠ તરીકે રહ્યા હતા. તેમનું સામાજિક કાર્યોમાં પણ નોંધપાત્ર યોગ દાન રહ્યું હતું. ગામના કોઈપણ ગરીબ પરિવારને કોઈ મદદની જરૂર હોય તો તેમને પણ મદદ કરવા માટે તેઓ તત્પર રહેતા હતા. પરિવારના બે દીકરાઓ એકસાથે મૃત્યુ પામતા સામખિયાળી ગામમાં ગમગીની પ્રસરી હતી .