ડુમરામાં હુમલાનો બનાવ હત્યામાં પલટયો
અબડાસા તાલુકાના ડુમરા ગામે ગત તા. 11/7ના યુવાન ઇરફાન મામદ સુમરાને જૂના ઝઘડાના મનદુ:ખમાં છ શખ્સો એ હુમલો કરી માર મારી ઘાયલ કર્યો હતો. આ બનાવમાં ઘાયલ ઇમરાને અમદાવાદમાં સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો., સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇમરાન સવારના અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. ઇમરાન ઉપર હુમલો કરનારા આરોપીઓની અટક થઇ ચૂકી છે. બનાવની તપાસ પણ ચાલી રહી છે. ઇમરાન ઉપર હુમલો થયા બાદ બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઇમરાને કોઠારા પોલીસને નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 11/7ના સાંજના ડુમરાના બસ સ્ટેશન પાસે જૂના ઝઘડાના મનદુ:ખમાં આરોપી વિક્રમસિંહ ભોજરાજ સિંહ રાઠોડ તથા શેતાનસિંહ રાઠોડ (રહે. બંને ડુમરા) આવી ગાળો આપી ધકબુશટનો માર મારવા લાગતાં તેનાથી છોડાવી ફરિયાદી ઇરફાન દૂર જતો રહ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ યુવરાજસિંહ ઉર્ફે ઇલુ નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. બંને ડુમરા) અને ભોદેશ્વર કેમ્પના લાલો જાડેજા અને જયપાલસિંહ જાડેજા ત્યાં આવી કહ્યું કે, તું કેમ વિક્રમસિંહ અને શેતાનસિંહ જોડે માથાકૂટ કરે છે, હજી સુધર્યો નથી કહી ચારેએ લોખંડના પાઇપથી હાથ-પગ તથા માથાંમાં માર માર્યો હતો અને લોકોએ વધુ મારથી બચાવ્યો હતો. ઘાયલ ઇરફાનને પ્રથમ માંડવી બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં હાથમાં અસ્થિભંગ તથા હાથ-પગ અને માથામાં ટાંકા આવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઇમરાનની સારવાર દરમ્યાન તેની એક કરતાં વધુ વખત તબિયત લથડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સવારના અરસામાં તેણે દમ તોડી દીધો હતો. કોઠારા પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી હતી.