આદિપુરમાં બંધ ઘરનાં તાળાં તોડી 1.16 લાખના મુદ્દામાલની ચોરી

copy image

આદિપુરના વોર્ડ 5-એ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ તેમાંથી રૂા. 1,16,460ના દાગીનાની તસ્કરી કરી હતી. આદિપુરના વોર્ડ 5-એના પ્લોટ નંબર 165માં રહેનાર મૂળ બનાસકાંઠાના ભીખા દાના રબારીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ત્રણેક વર્ષથી પોતાના સંબંધીને ત્યાં પરિવાર સાથે રહેતા તથા દિલીપ અયાચી પાસે ડ્રાઇવિંગનું કામ કરનાર આ યુવાન ગત તા. 28/7ના બપોરના અરસામાં પરિવાર સાથે પોતાના મૂળ વતન ગયા હતા. ત્યાંથી ફરિયાદીના પત્ની અને બાળકો તા. 29/7ના સાંજના અરસામાં આદિપુર આવ્યા હતા. જ્યાં ઘરનાં તાળાં તૂટેલાં અને સરસામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો. આ યુવાનના ઘરમાં ઘૂસી તસ્કરોએ અંદરથી દાગીના ભરેલું પાકિટ ઉપાડી ગયા હતા. આ પાકિટમાં 11.820 ગ્રામની સોનાની એક ચેઇન, 10.300 ગ્રામની સોનાની બે વીંટી, સોનાની ચૂંદડી નંગ-1, 14.750 ગ્રામની નાની દીકરીની બંગડી જોડ-1, રુદ્રાક્ષવાળી ચાંદીની લક્કી નંગ-1 એમ કુલ્લ રૂા. 1,16,460ના દાગીના હતા. જેની તસ્કરોએ ચોરી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આદિપુરમાં લખોની ચોરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.