સેલારીમાં નબળી ગુણવત્તાનો માલ આપતાં વેપારી સામે ફરિયાદ

copy image

રાપરના સેલારી ગામમાં રાસાયણિક ખાતરની દુકાન ચલાવતા વેપારીને નબળી ગુણવત્તાનો માલ પધરાવી અંત સુધી પાકું બિલ ન મોકલાવી રૂ.76,700 લઈ વિશ્વાસઘાત કરનારા મહેસાણાના વિસનગરના એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સેલારીમાં રહેતા અને લેવા પટેલ વાડી સામે શ્રીજી એગ્રો સેન્ટર નામની રાસાયણિક દવા, ખાતરની દુકાન ચલાવનારા દેવજી મનજી બારવડિયા (પટેલ)એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીએ મહેસાણાની સુદિની કોર્પ સાયન્સ વિસનગરના કમલેશ મનુ પટેલ પાસેથી રાસાયણિક ખાતર એન.પી.કે. 191919, કિશન ઝીંકનો ઓર્ડર આપ્યો હતો. બોલેરોમાં માલ ભરીને તા.6/2/2024ના ડ્રાઈવર આવ્યો હતો. જેમાં ઓધવ એગ્રો સેન્ટરનું બિલ હોવાથી ફરિયાદીએ માલ લેવાની ના પાડી હતી. જેથી આરોપી કમલેશે ઓધવ છેકાવી નાખી ત્યાં શ્રીજીનું બિલ કરાવી નાખ્યું હતું અને ડ્રાઈવર ફરિયાદીની દુકાનમાં માલ ઉતારી ચાલ્યો ગયો હતો. જેના ફરિયાદીએ રૂ.76,700 ચુકવી દીધા હતા. બાદમાં તા.8/2ના ખેતીવાડી અધિકારી ફરિયાદીની દુકાને આવી એન.પી.કે. 191919 તથા ઝીંક પ્લસના નમુના લઈ પૃથ્થકરણ માટે જુનાગઢ મોકલી આપ્યા હતા. ત્યાંથી આ માલ બિનપ્રમાણિત હોવાનો રીપોર્ટ આવ્યો હતો અને ફરિયાદીને નોટિસ પાઠવવામાં આવી હતી. જેથી આ દુકાનદાર ફરિયાદીએ આરોપી કમલેશને વારંવાર ફોન કરી માલનું પાકું બિલ આપી જવા જણાવતાં તે પાકું બિલ આપતો ન હતો. આરોપી થોડા સમય બાદ ફરિયાદીની દુકાને રૂબરૂ આવ્યો હોવા છતાં પાકું બિલ નહોતો લાવ્યો. ફરિયાદીને નબળી ગુણવત્તાવાળું ખાતર પધરાવી રૂપિયા લઈ તેમની સાથે વિશ્વાસઘાત કરતા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.